ઇષ્ટનો અનિષ્ટ પર વિજય, દૈવી શક્તિનો આસુરી શક્તિ પર વિજય, ધર્મનો અધર્મ પર વિજય એટલે જ વિજયા દશમી. આજે એકવીસમી સદીમાં પણ (૦૧) આતંકવાદ, (૦૨) પ્રાંતવાદ, (૦૩) જ્ઞાતિવાદ, (૦૪) જાતિવાદ, (૦૫) કોમવાદ, (૦૬) સત્તાવાદ, (૦૭) ભ્રષ્ટવાદ, (૦૮) સગાવાદ, (૦૯) ભોગવાદ અને (૧૦) રૂઢીવાદ જેવા માનવ-વિકાસને અવરોધનારો દસ-માથાળો રાવણ આપણી આસપાસ આંટાફેરા મારી રહ્યો છે અને માનવતાને પજવે છે. વિજયા દશમી એટલે માત્ર ફાફડા અને જલેબી ખાવાનો દિવસ જ નહીં પરંતુ માનવ-વિકાસને અવરોધનાર દસ-માથાળા રાવણ સહિતના તેના અસૂરોને વીણી વીણીને સાફ કરવાનો સંકલ્પ લેવા માટેનો દિવસ.
હિંદુ ધર્મમાં ચાર યુગ દર્શાવ્યા છે: (૦૧) સતયુગ (૦૨) ત્રેતાયુગ (૦૩) દ્વાપર યુગ અને (૦૪) કલિયુગ.
સતયુગમાં લડાઈ દેવલોક અને અસૂરલોક વચ્ચે હતી એટલે કે બે અલગ અલગ દુનિયા સાથે લડાઈ હતી. અસૂરલોકને અનિષ્ટ ગણીને તેમના પર દેવલોક વિજય પ્રાપ્ત કરતુ હતું.
ત્રેતાયુગમાં ઇષ્ટ અને અનિષ્ટ એટલે કે રામ અને રાવણ વચ્ચે લડાઈ હતી એટલે કે બે જુદા જુદા દેશો વચ્ચે લડાઈ હતી. આ યુગમાં રાવણો અનિષ્ટ ગણાતા હતા અને તેની સામે ઇષ્ટ રામ વિજય પ્રાપ્ત કરતા હતા.
દ્વાપર યુગમાં અનિષ્ટ કૌરવો અને ઇષ્ટ પાંડવો વચ્ચે લડાઈ હતી એટલે કે એક જ પરિવારમાં અનિષ્ટ અને ઇષ્ટ સામે લડાઈ થતી હતી. કૌરવો અનિષ્ટ હતા એટલે તેમનો ઇષ્ટ પાંડવો સામે પરાજય થયો હતો.
ધ્યાનથી સમજો. સતયુગમાં લડાઈ બે અલગ અલગ દુનિયા સામે હતી, ત્રેતામાં તે બે દેશો વચ્ચે થઇ અને દ્વાપરમાં તે એક જ પરિવારમાં થઇ. એટલે કે અનિષ્ટ તત્વ દરેક યુગમાં નજીક અને નજીક જ આવતું રહ્યું છે. તો પછી હવે પ્રશ્ન એ થશે કે કલિયુગમાં શું થઇ રહ્યું છે?
કલિયુગમાં લડાઈ વધુ નજીક આવી છે. દુનિયા (સતયુગ) – દેશ (ત્રેતાયુગ) – પરિવાર (દ્વાપરયુગ)થી પણ નજીક આવીને કલિયુગમાં અનિષ્ટ અને ઇષ્ટની લડાઈ હવે વ્યક્તિકેન્દ્રી થઇ છે. અનિષ્ટ અને ઇષ્ટ આપણી અંદર જ રહેલા છે. વ્યક્તિની અંદર રહેલા અનિષ્ટને દુર કરવા માટે વ્યક્તિની અંદર જ રહેલા ઇષ્ટથી લડાઈ કરવાની છે અને તેમ કરીને અનિષ્ટ એવા અહંકાર, મોહ, કામ, લોભ, ક્રોધ જેવા તત્વોથી વ્યક્તિએ પોતાના ખુદના મન-બુદ્ધિ-ચિત્ત-અંત:કરણને ઇષ્ટ એવા પ્રેમ તત્વથી હરાવીને, બાળીને રાખ કરીને જ વિજય પ્રાપ્ત કરવાનો છે.
ચાલો….આજે આપણે સૌ કલિયુગમાં જીવનારા જીવો આપણા પોતાના અનિષ્ટો ઉપર આપણા પોતાના ઇષ્ટ વડે વિજય પ્રાપ્ત કરવાનો સંકલ્પ આજે વિજયા દશમીએ કરીએ અને સમગ્ર વિશ્વમાં વ્યકિતની અંદર રહેલા ઇષ્ટ તત્વ એવા પ્રેમના સામ્રાજ્યથી સાયુજ્ય સાધીને સમગ્ર વિશ્વમાં એકરૂપતા લાવીએ.