ज – आश्विन शुक्ल पंचमी
ગુજરાતી – આસો સુદ પાંચમ
આજે પંચમ વિલાસ
પુષ્ટિમાર્ગમાં આસો સુદ એકમથી નવ દિવસ માટે નવ વિલાસના દિવસો છે.
પંચમ દિવસના મનોરથની સખી સંજાવલી છે અને મનોરથનું સ્થળ કદલી વન છે. પંચમ વિલાસ માટે શ્રી શ્યામાજીએ ખેલના બહાને બધી સખીઓને ભેગી કરી. એમાં મુખ્ય સંજાવલી હતી. પ્રિયતમને મળવાનું કારણ બનાવીને, ઉત્સાહપૂર્વક દેવી પૂજન માટે પ્રસ્થાન કર્યું. કમળ-કલી જેવી ખીલેલી ધૂપ, દીપ અને ભોગ સજાવીને બધી સખીઓ આનંદમાં ઓતપ્રોત થઈને નાચી રહી છે. ગાન કરી રહી છે. આ સખીઓની મધ્યમાં પ્રિયતમ પધારે છે. પ્રભુના પધાર્યા પછી બધી સખીઓ કતારમાં ઉભી રહી જાય છે. ત્યારબાદ પ્રિયતમ અને સંજાવલી એકમેકમાં ઓતપ્રોત થઇ જાય છે. આવી રાત્રીમાં શ્યામ અને શ્યામાએ રાસનો અલૌકિક આનંદ લીધો. વનદેવીના ગીતો ગાઈને બધી કામિનીઓએ વન અને નિકુંજમાં વિહાર કર્યો. કામિનીઓના શૃંગારના કારણે કોટાનકોટી કામદેવ લજ્જીત થઇ ગયા.
પંચમ વિલાસ
પાંચો વિલાસ કિયો શ્યામા જુ, કદલી વન સંકેત |
તાકી સખી મુખ્ય સંજાવલી, પિયા મિલન કે હેત ||૧||
ચલી રલીઉમંગી યુવતી સબ,પૂજન દેવી નિકસી |
ધૂપ દીપ ભોગ સંજાવલી, કમલ કલિ સી વિકસી ||૨||
આનંદ ભર નાચત ગાવત વધૂ, રસ મે રસ ઉપજાતિ |
મંડલ મે હરી તત છીન આયે, હિલ મિલ ભયે એક પાંતિ ||૩||
દ્વે જુગ જામ શ્યામ શ્યામા સંગ, ભામિની યહ રસ પીનો |
ઉનકી કૃપા દૃષ્ટિ અવલોકત, રસિક દાસ રસ ભીનો ||૪||
અહીં એક સંશોધનનો મુદ્દો ઉભો થાય છે.
શ્રી હરિરાયજીએ મોટાભાગે “રસિક”, “રસિક પ્રીતમ” અને “હરિદાસ”ની છાપથી પોતાના પદોની રચના કરી છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પંચમ અને નવમ વિલાસના પદમાં શ્રી હરિરાયજીની છાપ “રસિકદાસ” છે. વિદ્વાનો દ્વારા વિસ્તૃત સંશોધનો થયા છે તેને જોઈએ તો શ્રી હરિરાયજીએ જ એક પદમાં ગાન કરતાં કહ્યું છે:
“રસિકરાય” વિનતી કિન્હીં, “રસિકદાસ” છાપ દીન્હી
વલ્લભ રટત હીએ ઔર પંથ ત્યાગે
આથી નવ વિલાસના પદો તો શ્રી હરિરાયજી વિરચિત જ છે. તેમાં કોઈ જ શંકા નથી પરંતુ વિદ્વાનોનું એવું ચોક્કસ માનવું છે કે “રસિકદાસ” છાપના ૬૭ પદો છે તે બધાં જ પદ શ્રી હરિરાયજી વિરચિત નથી. કારણ કે દીનતાસાગર શ્રી હરિરાયજી પોતાની વધાઈ પોતાની જાતે ન જ લખે. શ્રી હરિરાયજીની કેટલીયે વધાઈમાં “રસિકદાસ” છાપ છે. વિવિધ સંશોધકોનું એવું માનવું છે કે આ છાપ ગોસ્વામી શ્રી ગોપિકાલંકારજી કે જેઓ “મટ્ટજી મહારાજ”ના નામથી પણ જાણીતા હતા તેમની પણ છે. તેઓનું પ્રાગટ્ય પ્રથમ પીઠની દ્વિતીય શાખામાં ઈ.સ. ૧૮૨૩માં થયું હતું. એટલે કે શ્રી હરીરાયજી પછી લગભગ સો વર્ષ બાદ.
આ ઉપર વિસ્તૃત સંશોધન થવું અતિ આવશ્યક છે એવું મારું અંગત માનવું છે.
સૌજન્ય : ડૉ. જયેશભાઈ શાહ
પ્રમુખ : અંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીયા વૈષ્ણવ પરિષદ – ગુજરાત રાજ્ય.