व्रज – आश्विन शुक्ल नवमी

ગુજરાતી – આસો સુદ નોમ

નવમો વિલાસ

પુષ્ટિમાર્ગમાં આસો સુદ એકમથી નવ દિવસ માટે નવ વિલાસના દિવસો છે.

નવમા દિવસના મનોરથની સખી લાડલીજી છે અને મનોરથનું સ્થળ બંસીબટ છે. નવમા વિલાસ માટે શ્રી શ્યામાજીએ ખેલના બહાને બધી સખીઓને ભેગી કરી. એમાં મુખ્ય સખી લાડલીજી પણ હતી. પ્રિયતમને મળવાનું કારણ બનાવીને આવેશમાં પ્રસ્થાન કર્યું. બધી સખીઓ આનંદમાં ઓતપ્રોત થઈને નાચી રહી છે. ગાન કરી રહી છે. આજની મુખ્ય સહચરી લાડલીજી અનેક ખેલમાં બહુ જ કુશળ છે. તે મીઠાઈ અને મેવા સજાવીને કુંજના દ્વારે બિરાજે છે ત્યારે કોટી કામદેવને લજ્જિત કરે તેવા પ્રિયતમ કટી ઉપર કાછની, પગમાં નુપુર, હાથમાં કંકણ અને ગાળામાં મણીમુક્ત હાર ધરીને પધારે છે. આ જોઇને અન્ય સખીઓ પુરુષોત્તમની અલૌકિક છબીને નીરખી રહે છે. પ્રિયતમ અને મુખ્ય સહચરીએ સઘન કુંજમાં ક્રીડા કરીને આવી રાત્રીમાં ત્યારબાદ શ્યામ અને શ્યામાએ રાસનો અલૌકિક આનંદ લીધો. ત્યારબાદ બધી કામિનીઓએ વન અને નિકુંજમાં ક્રીડા કરીને પછી વિહાર કર્યો. આવી કામિનીઓના શૃંગારના કારણે કોટાનકોટી કામદેવ લજ્જીત થઇ ગયા.

નવમો વિલાસ

નવમ વિલાસ કિયો જુ લડેતી, નવધા ભક્ત બુલાય |
અપને અપને સિંગાર સબે સજી, બહુ ઉપહાર લિવાયે ||૧||
સબ શ્યામા જુ રી ચલી રંગ ભીની, જ્યો કરણી ઘનઘોરે |
જ્યો સરિતા જલફૂલ છોડીકે, ઉઠત પ્રવાહ હિલોરે ||૨||
બંસીબટ સંકેત સઘન બન, કામ કલા દર્શાયે |
મોહન મૂરતી વેણુ મુકુટ મણી, કુંડળ તિમિર નસાએ ||૩||
કાછની કટી તટ પિત પીછોરી, પગ નુપુર ઝંકાર કરે |
કંકણ વલય હાર મણીમુકતા, તીન ગ્રામ સ્વર ભેદ ભરે ||૪||
સબ સખીયન અવલોકી શ્યામ છબી, અપનો સર્વસ્વ વારે |
કુંજ દ્વાર બૈઠે પીય પ્યારી, અદભુત રૂપ નિહારે ||૫||
પુવા ખોવા મીઠાઈ મેવા, નવધા ભોજન આને |
તહાં સત્કાર કિયો પુરુષોત્તમ, અપનો જન્મ ફલ માને ||૬||
ભોગ સરાય અચવાય બીરા ધર, નિરાંજન ઉતારે |
જય જય શબ્દ હોત તિહું પુરમેં, ગુરુજન લાજ નિવારે ||૭||
સઘન કુંજ રસ પુંજ અલી ગુંજત, કુમકુમ સેજ સંવારે |
રાતી રણ સુભાત જુરે પીય પ્યારી, કામ વેદના ટારે ||૮||
નવ રસ રાસ વિલાસ હુલાસ, વ્રજ યુવતીન મિલી કીને |
શિર વલ્લભ ચરણ કૃપાતે, રસિક દાસ રસ પીને ||૯||

અહીં એક સંશોધનનો મુદ્દો ઉભો થાય છે.

શ્રી હરિરાયજીએ મોટાભાગે “રસિક”, “રસિક પ્રીતમ” અને “હરિદાસ”ની છાપથી પોતાના પદોની રચના કરી છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પંચમ અને નવમ વિલાસના પદમાં શ્રી હરિરાયજીની છાપ “રસિકદાસ” છે. વિદ્વાનો દ્વારા વિસ્તૃત સંશોધનો થયા છે તેને જોઈએ તો શ્રી હરિરાયજીએ જ એક પદમાં ગાન કરતાં કહ્યું છે:

“રસિકરાય” વિનતી કિન્હીં, “રસિકદાસ” છાપ દીન્હી
વલ્લભ રટત હીએ ઔર પંથ ત્યાગે

આથી નવ વિલાસના પદો તો શ્રી હરિરાયજી વિરચિત જ છે. તેમાં કોઈ જ શંકા નથી પરંતુ વિદ્વાનોનું એવું ચોક્કસ માનવું છે કે “રસિકદાસ” છાપના ૬૭ પદો છે તે બધાં જ પદ શ્રી હરિરાયજી વિરચિત નથી. કારણ કે દીનતાસાગર શ્રી હરિરાયજી પોતાની વધાઈ પોતાની જાતે ન જ લખે. શ્રી હરિરાયજીની કેટલીયે વધાઈમાં “રસિકદાસ” છાપ છે. વિવિધ સંશોધકોનું એવું માનવું છે કે આ છાપ ગોસ્વામી શ્રી ગોપિકાલંકારજી કે જેઓ “મટ્ટજી મહારાજ”ના નામથી પણ જાણીતા હતા તેમની પણ છે. તેઓનું પ્રાગટ્ય પ્રથમ પીઠની દ્વિતીય શાખામાં ઈ.સ. ૧૮૨૩માં થયું હતું. એટલે કે શ્રી હરીરાયજી પછી લગભગ સો વર્ષ બાદ.

આ ઉપર વિસ્તૃત સંશોધન થવું અતિ આવશ્યક છે એવું મારું અંગત માનવું છે.

સૌજન્ય :ડૉ જયેશભાઈ શાહ

This entry was posted in Uncategorized. Bookmark the permalink.